કોઈપણ ગુનાહિત માનસ/હેતુ વિના લોન રકમ ચુકવવામાં નિષ્ફળતા એ ગુન્હો નથી- નામદાર સુપ્રિમ કોર્ટ
10
Mar
2019
નામદાર સુપ્રિમ કોર્ટે તાજેતરમાં સતીષચંદ્ર રતીલાલ શાહ વિ. સ્ટેટ ઓફ ગુજરાતના[i] કેસમાં નિર્ણય કરતા જણાવ્યું હતું કે કોઈપણ ગુનાહિત માનસ કે હેતુ વિના લોન રકમ ચુકવવામાં નિષ્ફળતા એ ગુન્હો માનવામાં આવે નહી.
આ કેસની હકિકતો આ પ્રકારની છે કે આ કેસમાં અપીલ કરનાર (મુળ આરોપી) એ સામાવાળા (મુળ ફરિયાદી) પાસેથી રૃા.ર૭ લાખની લોન લીધેલ જે સમયસર વ્યાજ સહીત ચુકવેલ નહી. ત્યારબાદ જયારે ફરિયાદીએ આરોપી પાસે પૈસા પરત ચુકવવા માટે માંગણી કરેલ ત્યારે ફરિયાદ મુજબ આરોપીએ તેને ધમકાવેલ.
વર્ષ-ર૦૧૧ માં આ કેસના ફરિયાદીએ દીવાની કોર્ટમાં પૈસા પુનઃપ્રાપ્તિ માટે દીવાની મુકદમો દાખલ કરેલ. તદઉપરાંત વર્ષ-ર૦૧ર માં તેણે અરજદાર વિરૃદ્ધ હાલની ફોજદારી ફરિયાદ (એફ.આઈ.આર.) કરેલ.
આરોપીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૦૩ ની કલમ-૪૮ર હેઠળ એફ.આઈ.આર. ને રદ કરવા અરજી કરેલ જે નામદાર ગુજરાત હાઈકોર્ટે નામંજુર કરેલ, જેના વિરૃદ્ધ આરોપીએ નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલ.
નામદાર સુપ્રિમ કોર્ટનું અવલોકન
નામદાર કોર્ટે અવલોકન કરતા ચુકાદામાં ઠેરવેલ છે કે આ કેસના ફરિયાદીએ આરોપીને લોન આપતી વખતે તેમના સંજોગોથી માહિતગાર હતા છતાં પણ તેમને લોન આપેલ અને લોન રકમની પુનઃપ્રાપ્તિ માટે દીવાની કોર્ટ સમક્ષ મુકદમો પણ કરેલ જે હાલમાં અનિર્ણિત છે.
વધુમાં કોર્ટે જણાવેલ કે ફકત વચન અથવા કરારનો ભંગ કરવો તે આપમેળે કોઈપણ જાતના ગુનાહિત માનસ વિના દંડ સંહિતાની કલમ ૪૦પ હેઠળ ગુન્હો બને નહી.
નામદાર સુપ્રિમ કોર્ટનું જજમેન્ટ -
સર્વોચ્ચ ન્યાયાલયે ઉપર મુજબ અવલોકન કરતા ચુકાદો આપેલ કે
હાઈકોર્ટ દ્વારા કરેલ નિર્ણય યોગ્ય અને ન્યાયોચિત નથી અને જેથી આરોપીની કાર્યરીતિ અધિનિયમ-૧૯૦૩ ની કલમ ૪૮ર હેઠળ કરેલ અરજી માન્ય રાખતા આરોપી વિરૃદ્ધ થયેલ એફ.આઈ.આર. અને સંબંધિત કાર્યવાહી રદબાતલ ઠેરવવામાં આવે છે.
-ArjunsinghSejpal
[i] 2019SCC Online SC 196